અપમાન અને પજવણી

વિહંગાવલોકન

માર્ચ 2024


તમે અન્ય લોકોને અપમાન અથવા પજવણી માટે લક્ષ્ય ન બનાવી શકો અથવા અન્ય લોકોને તેમ કરવા પ્રોત્સાહન ન આપી શકો.

Xનું ધ્યેય, દરેકને વિચારો અને માહિતી બનાવવાની અને શેર કરવાની સાથે-સાથે અવરોધો વિના તેમના મંતવ્યો અને માન્યતાઓને અભિવ્યક્ત કરવાની સત્તા આપવાનું છે. સ્વતંત્રપણે અભિવ્યક્ત કરવું એ માનવીનો અધિકાર છે - અમારું માનવું છે કે દરેકનું પોતાનું મંતવ્ય હોય છે અને તેમની પાસે તેને વ્યક્ત કરવાનો અધિકાર હોય છે. અમારી ભૂમિકા જાહેર વાર્તાલાપ અંગે સેવા આપવાની છે, જેમાં વિવિધ પ્રકારના દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ જરૂરી છે. 

અમે માન્ય કરીએ છીએ કે કોઈ વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ ભલે ગમે તે હોય પણ જો તેમને X પર પજવણીનો અનુભવ થાય, તો તેમની પોતાની જાતને અભિવ્યક્ત કરવાની ક્ષમતા જોખમમાં મૂકાય છે અને તેમને હાનિ પહોંચે છે. પ્લૅટફૉર્મ પર નિખાલસ વાતચીતની સગવડ પૂરી પાડવા માટે અને લોકોને વૈવિધ્યસભર મંતવ્યો તથા માન્યતાઓને અભિવ્યક્ત કરવામાં સશક્ત બનાવવા માટે, અમે એવી વર્તણૂક અને સામગ્રીને પ્રતિબંધિત કરીએ છીએ કે જેનાથી અન્ય લોકોની પજવણી થતી હોય, તેઓ લજ્જિત થતા હોય કે નીચા બતાવાતા હોય. લોકોની સલામતી સામે જોખમો ઊભા કરવા ઉપરાંત, આ પ્રકારની વર્તણૂક પ્રભાવિત લોકોમાં શારીરિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ પણ પેદા કરી શકે છે.


આ નીતિના ઉલ્લંઘનમાં શું આવે છે?

અમે નીચે વ્યાખ્યાયિત થયા મુજબ, અન્ય લોકોની પજવણી થતી હોય, તેઓ લજ્જિત થતા હોય કે નીચા બતાવાતા હોય તેવી વર્તણૂક અને સામગ્રીને પ્રતિબંધિત કરીએ છીએ. કૃપા કરીને નોંધ કરો કે અમારી ટીમને સંદર્ભ સમજવામાં મદદ મળી રહે તે માટે, કેટલીક વાર લક્ષિત થતી વ્યક્તિ સાથે જ સીધી વાત કરવી અમારા માટે જરૂરી બને છે, જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે અમલીકરણ સંબંધી ઉચિત અને પ્રમાણસરનું પગલું લેતા પહેલાં અમારી પાસે જરૂરી માહિતી છે.


લક્ષિત પજવણી

અમે વ્યક્તિના (ઉલ્લેખ કરવા કે ટૅગ કરવા જેવા) દુર્ભાવનાપૂર્ણ, પ્રતિભાવરહિત લક્ષ્યીકરણને પ્રતિબંધિત કરી છીએ, વિશેષ કરીને જ્યારે તે કોઈ વ્યક્તિને લજ્જિત કરવા કે નીચા પાડવા માટે શેર કરવામાં આવ્યું હોય. આનો અર્થ આ હોઈ શકે:

 • વ્યક્તિને લક્ષિત કરવા માટે, ટૂંકા સમયગાળામાં એકથી વધારે પોસ્ટ શેર કરવી અથવા દુર્ભાવનાપૂર્ણ સામગ્રીવાળા પ્રત્યુત્તરો સતત પોસ્ટ કરવા. આમાં એક વ્યક્તિને કે એકથી વધારે વ્યક્તિઓને પજવવા માટે પ્રતિબદ્ધ એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.

 • દુર્ભાવનાપૂર્ણ સામગ્રી વડે વપરાશકારોનો ઉલ્લેખ કરવો અથવા તેમને ટૅગ કરવા.


હિંસક બનાવનો અસ્વીકાર

અમે એવી સામગ્રી પર પ્રતિબંધ મૂકીએ છીએ જે સામૂહિક હત્યા અથવા અન્ય સામૂહિક જાનહાનિની ઘટનાઓ થઈ હોવાને નકારે છે, જ્યાં અમે ચકાસણી કરી શકીએ છીએ કે ઘટના બની હતી અને જ્યારે સામગ્રી અપમાનજનક સંદર્ભ સાથે શેર કરવામાં આવે છે. આમાં “હાનિકારક છેતરપિંડી” તરીકે આવી ઘટનાના સંદર્ભો અથવા પીડિતો અથવા બચી ગયેલા લોકો બનાવટી અથવા “અભિનય કરનારાઓ” હોવાનો દાવો શામેલ હોઈ શકે છે. તેમાં મોટી ખૂનરેજી, શાળામાં થતો ગોળીબાર, આતંકવાદી હુમલાઓ અને કુદરતી આપત્તિઓ જેવી ઘટનાઓનો સમાવેશ છે, પરંતુ તેના પૂરતી તે મર્યાદિત નથી.


પજવણી માટે ઉશ્કેરણી

અમે એવી વર્તણૂકને પ્રતિબંધિત કરીએ છીએ જે અપમાન વડે કોઈ ચોક્કસ વ્યક્તિઓ અથવા લોકોના સમૂહોની પજવણી કરવા અથવા તેમને લક્ષિત કરવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરે. આમાં અહીં આપેલી બાબતો સમાવિષ્ટ છે, પરંતુ તેના પૂરતી તે મર્યાદિત નથી: ઑનલાઇન દુરુપયોગ અથવા પજવણી દ્વારા લક્ષિત કરવા લોકોને બોલાવવા અને શારીરિક પજવણી જેવા ઑફલાઇન કૃત્યની વિનંતી કરે તેવી વર્તણૂક.


અનિચ્છિત જાતીય સામગ્રી અને ગ્રાફિક પદાર્થીકરણ

X પર કેટલીક સંમતિપૂર્ણ નગ્નતા અને વયસ્કો માટેની સામગ્રીની પરવાનગી આપવામાં આવે છે તે છતાં, અમે એવી અનિચ્છિત જાતીય સામગ્રી અને ગ્રાફિક પદાર્થીકરણને પ્રતિબંધિત કરીએ છીએ જે કોઈ વ્યક્તિને તેમની સંમતિ વિના જાતીય વસ્તુની કક્ષાએ ઉતારી પાડતી હોય. આમાં અહીં આપેલી બાબતો સમાવિષ્ટ છે, પરંતુ તેના પૂરતી તે મર્યાદિત નથી:

 • કોઈ વ્યક્તિને વયસ્કો માટેનો વગર માંગ્યે અને/અથવા અવાંછિત મીડિયા મોકલવો (છબીઓ, વિડિયો અને GIF) 

 • કોઈ વ્યક્તિના શરીર વિશે જાતીય રૂપે અવાંછિત ચર્ચા કરવી 

 • જાતીય કૃત્યો માટે માંગણી કરવી 

 • એવી અન્ય કોઈપણ સામગ્રી જે અન્યથા કોઈ વ્યક્તિની સંમતિ વિના તેનું જાતીયકરણ કરે. 


અપમાન

અમે અન્ય લોકોને લક્ષ્ય બનાવવા માટે અપમાનજનક શબ્દો અથવા અપશબ્દોના ઉપયોગ સામે પગલાં લઈએ છીએ. જો કે કેટલીક વ્યક્તિઓને અમુક ચોક્કસ શબ્દો અપમાનજનક લાગતા હોવા છતાં, અમે એવા દરેક કિસ્સા સામે પગલાં નહીં લઈએ જ્યાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. 


પૂર્વ નામ અથવા સર્વનામનો ઉપયોગ

સ્થાનિક કાયદાઓ દ્વારા આવશ્યક હશે ત્યાં, અમે એવી પોસ્ટ્સની દૃશ્યતા ઘટાડીશું જે અન્ય વ્યક્તિને સંબોધવા માટે, તે વ્યક્તિ પોતાના માટે ઉપયોગમાં લેતી હોય તેનાથી ભિન્ન હોય એવા સર્વનામોનો ઇરાદાપૂર્વક ઉપયોગ કરતી હોય અથવા તે વ્યક્તિ પોતાના વિકાસ દરમિયાન હવે ઉપયોગમાં ન લેતી હોય તેવા પૂર્વ નામનો ઉપયોગ કરતી હોય. આવું ઉલ્લંઘન થયું છે કે નહીં તે નક્કી કરવાની જટિલતાને ધ્યાનમાં લેતાં, ઉલ્લંઘન થયું છે કે નહીં તે નક્કી કરવા માટે અમારે હંમેશાં લક્ષિત વ્યક્તિની વાત સાંભળવી જરૂરી છે.


આ નીતિના ઉલ્લંઘનમાં શું નથી આવતું?

કેટલીક પોસ્ટ્સ જ્યારે અલગ પાડીને જોવામાં આવે ત્યારે હાનિકારક લાગતી હોઈ શકે છે, પરંતુ વિશાળ વાર્તાલાપના સંદર્ભમાં જોવામાં આવે ત્યારે તેમ ન હોય તેવું બની શકે છે. ઉદાહરણ તરીકે, મિત્રો એકબીજાની સાથે સંકળાવા માટે કેટલાક એવા શબ્દો કે શબ્દસમૂહોનો સંમતિપૂર્વક ઉપયોગ કરી શકે છે જે આ સંદર્ભ વિના અપમાનજનક લાગી શકે છે. અમે એ વાતને પણ માન્ય રાખીએ છીએ કે અમારા પ્લૅટફૉર્મનો ઉપયોગ હાનિકારક વર્તણૂક પ્રતિ ધ્યાન ખેંચવા, તેને વખોડવા કે અન્ય લોકોને હાઇલાઇટ કરવા માટે પણ થઈ શકે છે. આવા કિસ્સાઓમાં, સંદર્ભ સ્પષ્ટપણે અપમાનજન ન હોય અને આ પ્રકારના અલંકારિક ભાષા-પ્રયોગનો જવાબ આપવા માટે ઉદ્દેશિત હોય ત્યાં અમે કોઈ પગલું લેતાં નથી.

અમે એ પણ માનીએ છીએ કે સંસ્થાઓ, પદ્ધતિઓ અને વિચારોની ટીકા કરવી એ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો મૂળભૂત ભાગ છે અને તેથી અમે આવી ગંભીર ટીકાટિપ્પણી સામે પગલાં નહીં લઈએ.


આ નીતિના ઉલ્લંઘનોની જાણ કોણ કરી શકે છે?

અમારા પ્રતિબદ્ધ રિપોર્ટિંગ પ્રવાહનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ આ નીતિના ઉલ્લંઘનોની જાણ કરી શકે છે. જોકે, અમારે કેટલીક વાર લક્ષિત વ્યક્તિ સાથે સીધી વાત કરવી જરૂરી હોય છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે અમલીકરણ સંબંધી કોઈ પણ પગલું લેતા પહેલાં અમારી પાસે જોઈતી માહિતી છે.


જો તમે આ નીતિનું ઉલ્લંઘન કરશો તો શું થશે?

આ નીતિનું ઉલ્લંઘન કરવા માટેના દંડને નિર્ધારિત કરતી વખતે, અમે ઘણાં બધાં પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ, જેમાં ઉલ્લંઘનની ગંભીરતા, કોઈ વ્યક્તિ લક્ષિત (જેમ કે ઉલ્લેખિત થઈને, પૂરા નામ સાથે સંબોધાઈને, ફોટાનો સંદર્ભ અપાઈને, વગેરે દ્વારા) થઈ છે કે કેમ અને તે વ્યક્તિનો નિયમના ઉલ્લંઘનોનો અગાઉનો રેકોર્ડ સમાવિષ્ટ છે, પરંતુ તેના પૂરતા તે મર્યાદિત નથી. આ નીતિનું ઉલ્લંઘન કરનારી સામગ્રી માટે સંભવિત અમલીકરણના વિકલ્પોની યાદી નીચે મુજબ છે:

 • નિમ્નલિખિત દ્વારા સામગ્રીને X ઓછી દૃશ્યમાન કરવી:

  • શોધ પરિણામો, ઇન-પ્રોડક્ટ ભલામણો, વલણો, સૂચનાઓ અને હોમ ટાઇમલાઇનમાંથી પોસ્ટ દૂર કરવી 

  • પોસ્ટની શોધક્ષમતાને લેખકના પ્રોફાઇલ સુધી મર્યાદિત કરવી

  • જવાબોમાં પોસ્ટને ડાઉનરૅંક કરવી

  • લાઇક્સ, રિપોસ્ટ, ક્વોટ, બુકમાર્ક્સ, શેર, પ્રોફાઇલ પર પિન અથવા જોડાણોની ગણતરી મર્યાદિત કરવી

  • પોસ્ટની બાજુમાં જાહેરાતો રાખવાથી તેને બાકાત રાખવી

 • ઇમેલ અથવા ઇન-પ્રોડક્ટ ભલામણોમાંથી પોસ્ટ્સ અને/અથવા એકાઉન્ટ્સને બાકાત રાખવા. 

 • પોસ્ટને દૂર કરવાની આવશ્યકતા હોવી.

  • ઉદાહરણ તરીકે, અમે કોઈ વ્યક્તિને ઉલ્લંઘનવાળી સામગ્રી દૂર કરવાનું કહી શકીએ છીએ અને તેઓ ફરી પોસ્ટ કરી શકે તે પહેલાં તેમને થોડા સમય માટે માત્ર વાંચનલક્ષી મોડ જ આપી શકીએ છીએ. ઉપરાછાપરી થતા ઉલ્લંઘનોના પરિણામે એકાઉન્ટ રદબાતલ થઈ શકે છે.

 • અનિચ્છિત જાતીય સામગ્રી અને ગ્રાફિક પદાર્થીકરણ વિરોધી અમારી નીતિનું ઉલ્લંઘન કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય ધરાવતા હોય તેવા, એકાઉન્ટ્સ અથવા વ્યક્તિઓને પજવવા માટે પ્રતિબદ્ધ એકાઉન્ટ્સને રદબાતલ કરવાં.

વધુ જાણવા માટે, અમારા અમલીકરણના વિકલ્પોની શ્રેણી જુઓ અને જો કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે ભૂલથી તેમના એકાઉન્ટ સામે પગલાં લેવાયાં છે, તો તેઓ અપીલ સબમિટ કરો સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

આ લેખને શેર કરો